તમે કોણ છો ?
શિષ્‍યવૃત્તિ સહાય

વિદ્યાર્થી કારકિર્દી ઘડતર પ્રક્રિયામાં પ્રોત્‍સાહન સહાયનું મહત્‍વ છે. વિદ્યાર્થીને કુટુંબ, શાળા, સંસ્‍થા, સમાજ, સરકારી તંત્ર અને વ્‍યક્તિગત પ્રોત્‍સાહન જુદા જુદા સ્‍વરૂપે પ્રાપ્‍ય થાય છે. પ્રાચીન સમયથી આ પરંપરા છે. તેજસ્‍વી વિદ્યાર્થીના અભ્‍યાસને આગળ વધારવા રાજા-રજવાડાથી સરકાર શ્રેષ્‍ઠી મહાજન એક યા બીજી રીતે પ્રયત્‍નશીલ હોય છે. આ સહાયક પ્રવૃત્તિઓ પૈકી શિષ્‍યવૃત્તિ લોન-સહાય ઘણા જ સમયથી આપણે ત્‍યાં કાર્યરત છે. પણ તેનું આયોજન આપણે વિચારતા નથી જે કરવું જોઇએ.

શિષ્‍યવૃત્તિ સ્‍કોલરશિપ એ વિદ્યાર્થી - સ્‍કોલરને તેના અભ્‍યાસમાં કોઇ પણ સ્‍વરૂપે જેમકે પુસ્‍તક, ફીની રકમ, નિભાવ ખર્ચ, નિયત કે ઉચ્‍ચક રકમ, મેરિટ સ્‍કોલરશિપ, લોન સ્‍કોલરશિપ, એજ્યુકેશન લોન ઇત્‍યાદિ નામથી અપાતી મદદ છે. લોકશાહી પ્રક્રિયામાં આ કાર્ય સરકાર કે તેની અંગભૂત સંસ્‍થાઓ સંભાળે છે. સાથે જ્ઞાતિમંડળ, જ્ઞાતિનાં ટ્રસ્‍ટો કે કેટલીક પ્રતિષ્‍ઠિત સાર્વજનિક સંસ્‍થાઓ પણ આ સેવામાં કાર્યરત છે.

આ શિષ્‍યવૃત્તિ-સહાયમાં વિવિધા હોય છે. તે જનરલ અભ્‍યાસ, ખાસ અભ્‍યાસ, વિદેશ અભ્‍યાસક્રમ, ફેલોશિપ, સંશોધન, ભાષા અભ્‍યાસ સંશોધન, પ્રતિભા ખોજ માટેની હોય છે. તે દેશ વિદેશ, રાજ્ય, જ્ઞાતિ વિસ્‍તાર પૂરતી પણ મર્યાદિત હોય છે. આ ઉપરાંત આ સહાયક પ્રવૃત્તિ શિક્ષક, સૈન્‍યકર્મા, રમતવીર કે વિશિષ્‍ટ પ્રદાન મેળવેલા વ્‍યક્તિસમૂહ માટે પણ રિઝર્વ રખાય છે. સામાન્‍ય તેનાં ત્રણ પ્રભાગ હોઇ શકે.
(૧) સરકારી શિષ્‍યવૃત્તિ સહાય
(૨) બેન્‍કલોન
(૩) જ્ઞાતિટ્રસ્‍ટ સહાય. આ અંગે સંક્ષિપ્‍તમાં વિગતો મેળવીએ.