અમારા વિશે
એન.સી.સી.નો ઇતિહાસ / ઉદ્ગમઃ
ભારતમાં એન.સી.સી. (નેશનલ કેડેટ કોર્પ્‍સ) ની રચના નેશનલ કેડેટ કોર્પ્‍સ અધિનિયમ ૧૯૪૮ થી કરવામાં આવેલી. ૧૫ મી જુલાઇ, ૧૯૪૮ ના રોજ એન.સી.સી. વિધિવત્ શરૂ કરવામાં આવેલી. એન.સી.સી. ને સન ૧૯૪૨ માં બ્રિટિશ શાસન દ્વારા સ્‍થાપિત ‘યુનિવર્સિટી ઓફિસર ટ્રેઇનિંગ કોર્પ્‍સ’ (યુ.ઓ.ટી.સી.) ની ઉત્તરાધિકારી ગણી શકાય. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, ‘યુનિવર્સિટી ઓફિસર ટ્રેનિંગ કોર્પ્‍સ’ (યુ.ઓ.ટી.સી.) અપેક્ષા મુજબ કામગીરી કરી શકેલ નહિ. આના પરિણામે કોઇ વધુ સારી યોજના શરૂ કરવાનો વિચાર, સ્‍ફૂર્યો કે જેનાથી શાંતિકાળ દરમિયાન પણ યુવાનોને વધુ સારી રીતે તાલીમબદ્ધ કરી શકાય. પંડિત એચ.એન. કુંઝરુના અધ્‍યક્ષતા હેઠળની સમિતિએ શાળા અને કૉલેજોમાં રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍તરનું એક કેડેટ સંગઠન રચવાની ભલામણ કરી. ગવર્નર જનરલ દ્વારા એન.સી.સી. અધિનિયમ સ્‍વીકારવામાં આવ્‍યો અને તારીખ ૧૫ મી જુલાઇ, ૧૯૪૮ ના રોજ એન.સી.સી. અસ્‍તિત્‍વમાં આવી.

સન ૧૯૬૫ અને સન ૧૯૭૧ ના પાકિસ્‍તાન સાથેના યુદ્ધ દરમિયાન, એન.સી.સી. કેડેટો સંરક્ષણની બીજી હરોળરૂપ બન્‍યા હતા. તેમણે મોરચા પર શસ્‍ત્રો અને દારૂગોળો પૂરો પાડીને દારૂગોળા ફેકટરીને સહાય કરવા માટે કેમ્‍પોના આયોજન કર્યા હતા અને દુશ્‍મનોની પેરેશૂટ ટૂકડીને પકડવા માટે પેટ્રોલિંગ કરવામાં પણ તેમની મદદ લેવામાં આવી હતી. એન.સી.સી. કેડેટોએ ગૃહ સંરક્ષણ તંત્ર સાથે ખભેખભા મિલાવીને સખત મહેનત કરીને બચાવ કામગીરી અને વાહનવ્‍યવહાર નિયંત્રણ કામગીરીમાં સક્રિય ભાગ લીધેલો. સન ૧૯૬૫ અને સન ૧૯૭૧ ના હિંદ – પાક યુદ્ધ પછી, એન.સી.સી.નો અભ્‍યાસક્રમ સુધારવામાં આવ્‍યો. સંરક્ષણની બીજી હરોળથી થોડું આગળ વધીને, એન.સી.સી.ના અભ્‍યાસક્રમમાં નેતૃત્‍વના તેમજ લશ્‍કરી અધિકારીના ગુણો ખીલવવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. એન.સી.સી.ના કેડેટોને મળતી લશ્‍કરી તાલીમ ઘટાડીને સમાજ સેવા અને યુવા-સંચાલન જેવા અન્‍ય ધ્‍યેયોને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યું.
વપરાશકર્તાઓ : 940673 ડિસક્લેમર